તહેવાર

ચૈત્રી નવરાત્રિ ઉજવણી

વસંત નવરાત્રિની ઉજવણી

Happy Navratri
247

ચૈત્રી નવરાત્રિ ઉજવણી, વસંત નવરાત્રિની ઉજવણી, સામાન્‍ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળ બે કારણો મહત્ત્વના ગણવામાં આવે છે. પહેલું, ઋતુગત ફેરફારોને લીધે, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્‍ય તહેવારોની શરૂઆત થાય છે અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા શક્‍તિની દિવ્‍ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે.

વસંત નવરાત્રિ હિંદુ ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મા દુર્ગાની પૂજા મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી અને તેને ‘બસંત પૂજા’ના નામે ઓળખવામાં આવતી હતી, પરંતુ પાછળથી ભગવાન શ્રીરામે દુર્ગાપૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો.

ભગવાન શ્રીરામ અને રાવણ ના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવ્યા હતા. પરિણામે તેઓએ અશ્વિન માસમાં મા દુર્ગાનું આહ્વાન કર્યું હતું. તેથી જ આસો માસમાં કરવામાં આવે છે દુર્ગાપૂજા ‘અકલ-બોધોન’ એટલે કે ‘કસમયના આહ્વાન’ના નામે પણ જાણીતી છે.

વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, હરિયાણા, પંજાબ અને જમ્‍મુ કાશ્‍મીર જેવાં રાજ્‍યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્‍યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે, તેવું કહેવાય છે.

આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમ જ ઉત્તરાખંડમાં કેટલાંક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આસો માસમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતાં તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે.

Leave a Reply