ધર્મ

જલારામ બાપા

સંત શિરોમણી જલિયાણ

Jalaram Bapa
492

જલારામ બાપા, સંત શિરોમણી જલિયાણ, તેમનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. સંત શ્રી જલારામબાપા ભગવાન રામના ભક્ત હતા. ગુજરાતમાં આવેલ રાજકોટ થી ગોંડલ તરફ વીરપુર પવિત્ર યાત્રાધામ આવેલ છે. અહી જલારામબાપા નું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. અહી દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી દુર રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ ‘નારાયણ! નારાયણ! નારાયણ!’ કરતા જગ્યામાં આવી ગયા. વૃદ્ધ સાધુએ કહ્યું, ‘આ શરીર ખૂબ જીર્ણ થયું છે, કોઈ મારી સેવા કરે એવું જોઈએ છે.’ જલારામ બાપા કહે, ‘ તો હું આપની સેવા કરીશ!’ વૃદ્ધ સાધુએ કહ્યું, તારી સ્ત્રીને મારી સેવા માટે મારી સાથે મોકલ! અને સાંભળ, એની તે તેની રાજીખુશીથી મારી સાથે આવવી જોઈએ, કોઈ દબાણથી નહીં!’ વીરબાઈએ તરત કહ્યું, ‘હું હમણાં જ તૈયાર થઈને આવું છું.

વીરબાઈમાને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. સાધુ વીરબાઈને લઈને ચલાય જાય છે. બે-ત્રણ માઈલ પર નદી આવી. ત્યાં સાધુ કહે ‘માઇ, મારાં આ ધોકો-ઝોળી સાચવ! હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહી સાધુ ઝાડવાં પાછળ અદૃશ્ય થઈ ગયા. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જોયું. દોડતા જઈ એમણે ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગતબાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા! તે દિવસથી એ ઝોળી-ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર-સાંજે એનું પૂજન થાય છે.

વીરપુર જલારામ મંદિરે કારતક સુદ ૭ ના દિવસે અને ગુરુપૂર્ણિમાના દિવસે લોકો બાપના દર્શને આવે છે. તેમજ દર ગુરવારે અને દરેક હિંદુ તહેવારમાં અહી ખુબજ ભીડ રહે છે. વીરપુર આખું જય જલિયાણ અને જય જલારામના નાદથી ગુંજી ઉઠે છે. વીરપુર જવા માટે રાજકોટ થી સરળતાથી વાહન મળી રહે છે. તેમજ અહી રેલ્વે સ્ટેશન પણ ઉપલબ્ધ છે. વીરપુર સંત સંત શિરોમણી જલિયાણના આ મંદિરમાં કોઈએ પણ કોઈ પણ પ્રકારનું નાણાકીય દાન કરવાની મનાઈ છે. છતાય અહી બપોરે અને રાતે બનને સમય જલારામબાપા નો પ્રસાદ સ્વરૂપે ભોજન મળી રહે છે.

Leave a Reply