તહેવાર

મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ

માતા ખોડિયારની પ્રાગટ્ય કથા

Aai Shree Khodiyar Mataji
636

મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ, માતા ખોડિયારની પ્રાગટ્ય કથા, મા ખોડિયારના પ્રાગટ્ય અંગે અનેક દંતકથા પ્રચલિત છે. સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં આવેલું વલ્લભીપુર (હાલનું વંથલી)માં ઈ.સ. 867ની સાલમાં ખોડિયારનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે.

સોરઠના ગીર પંથકના નેસડામાં રહેતો મામડ નામનો યુવાને મીણબાઈ નામની ગુણિયલ ચારણકન્ય સાથે વિવાહ કર્યા. ત્યાર બાદ મામડ વલ્લભીપુર અને સોરઠ પંથક છોડી કાઠિયાવાડ પંથકના એક રોહિશાળા ગામે (બોટાદ પાસે) સ્થાયી થયો. ત્યાર બાદ તેમને ત્યાં સાત નાગકન્યાઓ અને એક નાગપુત્ર જન્મ્યાં.

જેમાંથી સાતમી પુત્રી જાનબાઈનો જન્મ મહાસુદ આઠમના દિવસે થયો. ચારણકવિ મામડની સૌથી નાની પુત્રી જાનબાઈ એ જ લોકદેવી મા ખોડિયાર. જાનબાઈ પછી આઠમા સંતાન રૂપે એક પુત્ર જન્મ્યો.

જન્મતિથિ: મહાસુદ આઠમ

જન્મસ્થળ: રોહિશાળા, તા. બોટાદ,

ભાઈ-બહેન: આવળબાઈ, જોગળબાઈ, ટોગળબાઈ, હોલબાઈ, બીજલબાઈ, સોસાઈબાઈ તથા ભાઈ મેરખ.

આયુધ: ત્રિશૂળ

વાહન: મગર

પ્રસાદ: લાપસી

માતા ખોડીયાર ના પ્રચલ્લિત મંદિરો

રાજપરા તાતણિયા ધરા મંદિર, તા. શિહોર

ધારી ગળધરા મંદિર તા. ધારી

માટેલ ધરા મંદિર, તા. વાંકાનેર

કાગવડ ખોડલધામ, તા. જેતપુર

ધર્મ શાસ્ત્રો મુજબ માહ મહિનાની શુક્લ પક્ષની સાતમના દિવસે ખોડિયાર જયંતીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે ખોડિયાર જયંતિનો પર્વ 26 જાન્યુઆરી,સોમવારના દિવસે છે.

ખોડીયાર બાવની

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.

 હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

 તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.

 ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.

 નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.

 મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.

 માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .

 મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.

 આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

 સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.

 અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.

 દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .

 આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.

 નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .

 જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.

 દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .

 માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .

 વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .

 ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .

 માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.

 મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.

 માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.

 મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.

 માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .

 બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .

 દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.

 નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.

 ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.

 તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.

 જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ.

 મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.

 સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.

 અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.

 મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.

 સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.

 ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.

 માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.

 જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.

 ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.

 ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .

 આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.

 નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .

 અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .

 મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.

 હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .

 ખોડલ તારું નામ છે એક,  તોય  તારાં સ્થાન  અનેક.

 ખમકારી  તું માં ખોડીયાર , સુખ  શાંતિ સૌને  દેનાર.

 સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.

 તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.

 મનનું  માગ્યું  આપે  માત , ના  કરતી  કોઈને  નિરાશ.

 અધમ તણો  કરતી ઉદ્ધાર ,  વરસાવે   અમૃતની  ધાર.

 “બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.

Leave a Reply