સમાચાર

મોટી કંપનીની નોકરી છોડી સરપંચ બન્યા

વસો ગામની કાયાપલટ કરી હવે ગુજરાતની કરવી છે

Mahipatsinh Chauhan
219

મોટી કંપનીની નોકરી છોડી સરપંચ બન્યા, વસો ગામની કાયાપલટ કરી હવે ગુજરાતની કરવી છે, મહિપતસિંહ ચૌહાણે સંકલ્પ લીધો. વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે પોતાના એકલા હાથે ગામને બદલી નાખ્યું હતું. કોઈપણ રાજકીય પક્ષ કે સરકારની નાણાકીય મદદ વગર. તેમણે જે કર્યું તે હવે સમગ્ર ગુજરાતને બદલવા માંગે છે. મહિપતસિંહ ચૌહાણ ધારાસભ્ય, પ્રધાન, સાંસદ કે જિલ્લા પોલીસ વડાનો સામનો કરી લોકોનો અવાજ ઉઠવ્યો છે. મહિપતસિંહ ચૌહાણ હવે લોકસત્તા માટે ‘સર્વ સમાજ સેના ગુજરાત’ની રચના કરીને લોકશાહી માટે નવો પાયો નાંખી રહ્યાં છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમણે  ભવિષ્યની સરપંચ માટે ગુજરાત ભરમાં શોધ શરૂ કરી છે. ગામના સરપંચ, તાલુકા પંચાયત અને કાઉન્સિલરની ચૂંટણી લડવા માગતા હોય એવા યુવા નેતા શોધ શરૂ કરી દીધી છે. સમગ્ર ગુજરાત રાજયમાં દરેક ગામમાં બે વ્યક્તિની ભાવિ સરપંચના ઉમેદવાર તરીકે નિયુક્ત કરાશે. જેમના પ્રચારમાં ‘સર્વ સમાજ સેના ગુજરાત’ કામ કરશે. ઉમેદવારને જીતાડી તે ગામને બદલવા, સ્માર્ટ વિલેજ બનાવવા માટે તમામ મદદ કરશે.

૩૦ વરસના યુવાન મહિપતસિંહ ચૌહાણ કલકત્તામાં બજાજ આલીયાન્ઝમાં નોકરી કરતાં હતા. કલકત્તાથી પોતાના ગામમાં એક વખત આવ્યા ત્યારે જોયું કે  ગામનો  વિકાસ નથી થયો. ગામના પૂર્વ સરપંચ લીલાબેન જે તેમના માતા છે. મહિપતસિંહ ચૌહાણે પોતાના ગામ નો વિકાસ કરવા માટે નોકરી છોડી દીધી. સરપંચ ની ચૂંટણી આવી અને તેમાં ઉમેદવારી નોંધાવી અને તે જીતી ગયા. સરપંચ બનતા જ હાથમાં સાવરણો લીધો અને ગામને ગંદકીમાંથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરી. યુવાનો તેમની સાથે જોડાયા, ગામના ગેરકાયદે બાંધકામ દૂર કર્યા, ગામના રસ્તાઓ પહોળા કર્યા. ૧૫૦૦ લોકોની વસતી ધરાવતાં ગામમાં ૧૬ સીસીટીવી કેમેરા લગાવ્યા તો ચોરી પણ બંધ થઈ ગઈ. એલઈડી લાઈટ, દરેક ઘરેથી કચરો ઉપાડવાનું શરૂ કરાવ્યું, ભૂગર્ભ ગટર નખાવી, પોતાની બચત ૨.૫૦ લાખની હતી જેમાંથી સ્ટ્રીટલ લાઈટ અને સ્પીકર જેવી જરૂરી વસ્તુ મુકવી. કોમ્યુનિટી હોલ બનાવ્યો, વિદ્યાર્થી માટે પહેલા વર્ષનું શિક્ષણ મફત કર્યું, ૨૦૦૦ વૃક્ષો ઉછેરી બગીચા બનાવ્યા,  વૃક્ષ વાવે તેને વેરામાંથી ૧૦ ટકા રાહત આપી, નિઃસંતાન અને વૃદ્ધોના ઘરે ભોજન આપવાનું શરુ કર્યું.

સરપંચનું મુલ્યાંકન કરવા દર વરસે ગામના તમામ લોકો પાસેથી અભિપ્રાય લેવાનું શરૂ કર્યું, જે ખેડૂત વધુ ઉત્પાદન મેળવે તેમને ઈનામ આપવાનું શરૂ કર્યું, ખેત ઉત્પાદન વધ્યું, દીકરીનો જન્મ થાય તે માતાને ૧૦૦૦ નું ઇનામ આપવાનું શરૂ કર્યું. ગામની દીકરીના લગ્ન ખર્ચ આપવાનું શરૂ કર્યું. વસો તાલુકાના ૨૨ ગામના બાળકોની લાક્ષણીકતા બહાર લાવવા માટે ‘વોઈસ ઓફ વસો’ અને ‘વોઈસ ઓફ ખેડા’ કાર્યક્રમ શરૂ કરાવ્યો જેમાં બાળકો પોતાની આવડત બહાર લાવવા લાગ્યા હતા. ખેડા જિલ્લાનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવ્યું. ખેડા જિલ્લા પોલીસ વડા તેમની ફરિયાદ લેતા ન હતા. ધારાસભ્યની તરફેણ પોલીસ કરતી હતી. ડીએસપીને સરપંચ મહિપતસિંહ ચૌહાણ કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’

મહિપતસિંહ ચૌહાણ કહે છે કે, ‘હું મારા ગામ માટે કામ કરું છું. જે માટે મેં કોઈ રાજકારણીની મદદ લીધી નથી. તેમ છતાં આટલું કામ કરી શક્યો છું. હું ગામના અને સરપંચના હક્ક માટે લડું તે શું કોઈ ગુનો છે? ગુજરાતના દરેક ગામમાં જાગૃત સરપંચ ચૂંટાય અને દરેક ગામ સમાર્ટ ગામ બને તે કેમ રાજકીય પક્ષોને મંજૂર નથી?’ ગામની પરિસ્થિતિ બદલવા યુવાનોને રાજનીતિમાં લાવવા માટે કામ કરશે. તે માટે 8768888088 નંબર પર ફોન કરીને કે વોટ્સએપ કરી શકાશે.

Leave a Reply