તહેવાર

શિવ પૂજા

મહાશિવરાત્રીએ શિવજીને કેવી રીતે રીઝવશો

Rudra Avtar
814

શિવ પૂજા, મહાશિવરાત્રીએ શિવજીને કેવી રીતે રીઝવશો, ભગવાન શિવ હિમાલયની ગીરીમાળાઓ વચ્ચે આવેલા કૈલાશ પર્વત પર નિરાકાર રૂપે રહે છે. સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે, કારણ કે બંને શિવના જ પ્રતિક છે. ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન શિવમાંથી ૐ ની ઉત્પત્તિ થઈ છે. આથી ઓમકારનું ઉચ્ચારણ અને સ્મરણ ભગવાન શિવની જ પૂજા કહેવાય છે.

મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતિના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શિવ પૂજા અર્ચના

મહાશિવરાત્રીના દિવસે ભક્તો સવારથી ઉપવાસ કરે છે અને શિવ સ્મરણ કરે છે. આ દિવસે કેટલાક ભક્તો નકોરડા અને નિર્જળા ઉપવાસ પણ કરે છે. શિવની કૃપાથી દુઃખ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કુંવારી કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે પણ શિવની આરાધાન કરે છે.

આ દિવસે શિવજીની પૂજા-અર્ચના કરવા માટે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવાલયમાં જવું અને શિવલિંગ પર દૂધ, મધ, જળ વગેરેનો અભિષેક કરવો. આ ઉપરાંત શિવજીના મંત્રનો જાપ કરતા કરતા તેમને બિલ્વપત્ર પણ અર્પણ કરવા. આ દિવસે ‘ૐ નમઃ શિવાય’ મંત્રના મહત્તમ જાપ કરવા અને બીજા દિવસે પારણા કરવા.

મહાશિવરાત્રીના ચાર પહોરમાં શું અર્પણ કરવું

પહેલો પહોર – તલ, જવ, કમળ, બિલ્વપત્ર

બીજો પહોર – વિજોરાનું ફળ, લીંબુ, ખીર

ત્રીજો પહોર – તલ, ઘઉં, માલપુઆ, દાડમ, કપૂર

ચોથો પહોર – અડદની દાળ, જવ, મગ, શંખપુષ્પીના પર્ણ, બિલ્વપત્ર અને દિવસના અંતે અડદના વડા

શિવ આરાધનાથી શું લાભ થાય છે?

શિવજીને અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે.

શિવજીને ગંઘના સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શિવજીને નૈવેધ ધરાવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે.

શિવજી આગળ દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે.

શિવજીને તાંબુલ ધરાવવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે.

શિવજીને દૂધનો અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.

શિવજીને દહીંનો અભિષેક કરવાથી વાહનસુખ અને પશુધન વધે છે.

શિવજીને મધ-ઘી- શેરડીનો અભિષેક કરવાથી લક્ષ્મી અને ધન સુખ વધે છે.

શિવજીને ર્દભના જલથી અભિષેક કરવાથી વ્યાધિની નિવૃત્તિ થાય છે.

શિવજીને ગંગાજળથી સ્નાન કરાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

Leave a Reply